THE INDIAN SOCIOLOGIST

AADHAR UPDATE : નર્મદા જિલ્લામાં આધાર અપડેટની કામગીરી વેગવંતી બની

AADHAR UPDATE : નર્મદા જિલ્લામાં આધાર અપડેટની કામગીરી વેગવંતી બની, નાગરિકોને ઘર આંગણે સુગમ સેવા ઉપલબ્ધ


AADHAR UPDATE : જિલ્લામાં કુલ -૩૯ આધાર કિટ એક્ટિવ, રોજિંદા સરેરાશ ૧૦૦૦થી વધુ નાગરિકો લાભ લઈ રહ્યા છે

AADHAR UPDATE : ડિસેમ્બર-૨૦૨૪ દરમિયાન સમગ્ર જિલ્લામાં અંદાજિત ૨૫ હજારથી વધુ લોકોએ આ સુવિધાનો લાભ મેળવ્યો આધાર કાર્ડ નાગરિકોને પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવા સાથે એક દસ્તાવેજી પુરાવા તરીકે દરેક કામમાં માનવીના જીવનનો અભિન્ન અંગ બની ગયું છે. સરકારીશ્રીની યોજનાઓનો લાભ લેવા, બેંકમાં ખાતું ખોલાવવા, ઈન્ટરનેટ અને દુરસંચારની દુનિયા સાથે જોડાઈને રહેવા મોબાઈલનું સિમ કાર્ડ ખરીદવા હોટલમાં રોકાવા, રેલવે ટિકિટ બુકિંગ વગેરે માટે આધાર કાર્ડ અનિવાર્ય બની ગયું છે. આવામાં આધાર કાર્ડને અપડેટ રાખવું ખૂબ જ જરૂરી છે.

AADHAR UPDATE : નર્મદા જિલ્લામાં આધાર કાર્ડની કામગીરી અર્થે કુલ-૩૯ કિટને સક્રિય કરીને આ કામગીરીને વેગવંતી બનાવાઈ છે. જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે.મોદીના માર્ગદર્શન હેઠળ આ તમામ કિટ મામલતદાર કચેરી, બેન્ક, પોષ્ટ ઓફિસ, સીએસસી, આઈસીડીએસ, ગ્રામ પંચાયત તથા શિક્ષણ વિભાગ જેવી વિવિધ સંસ્થાઓમાં ઉપલબ્ધ છે. જ્યાંથી ઓપરેટર્સ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લામાં હાલમાં નાંદોદ પ્રાંતના રાજપીપલા ખાતે બેન્ક ઓફ બરોડા, પોસ્ટ ઓફિસ, નગર પાલિકા, મામલતદાર કચેરી, ICDS કચેરી નાંદોદ, CSC (કોમન સર્વિસ સેન્ટર) ભાટવાડ ૧ અને ૨ તથા ગ્રામ પંચાયત ધાનપોર, ઢોલાર, ટંકારી અને સીસોદરા ખાતે કામગીરી ચાલી રહી છે. ગરૂડેશ્વર તાલુકામાં મામલતદાર કચેરી, ICDS કચેરી, ગ્રામ પંચાયત પાનતલાવડી, પીછીપૂરા, વેલછંડી અને ઝેર ખાતે જ્યારે તિલકવાડા તાલુકામાં મામલતદાર કચેરી, ICDS કચેરી, પોસ્ટ ઓફિસ, ગ્રામ પંચાયત રેંગણ, નમારિયા અને લીમપુરા ખાતે કામગીરી થઈ રહી છે. દેડિયાપાડા પ્રાંતમાં મામલતદાર કચેરી દેડિયાપાડા, પોસ્ટ ઓફિસ, ICDS કચેરી, ગ્રામ પંચાયત સેજપુર, બરસણ, બેડવાણ, ઘાંટોલી અને પ્રાથમિક શાળા ભરાડા ખાતે જ્યારે સાગબારા તાલુકામાં મામલતદાર કચેરી,, ICDS કચેરી, તાલુકા શિક્ષણાધિકારીની કચેરી, ગ્રામ પંચાયત ચોપડવાવ, દોધનવાડી, મોવી અને રાણીપુર ગામ ખાતે આધારકાર્ડની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. અત્રે નોંધનીય છે કે, સૌથી વધુ સાગબારા અને દેડિયાપાડા તાલુકામાં નાગરિકો આ કામગીરીનો લાભ લઈ રહ્યાં છે. આ કામગીરીથી જિલ્લાના નાગરિકોને પોતાનું આધાર કાર્ડ સરળતાથી અપડેટ સુધારા- વધારા કરવાની તક મળી રહી છે.

AADHAR UPDATE : બાયોમેટ્રિક અપડેટ, મેન્ડેટરી અપડેટ અને નવા આધાર કાર્ડ ઈશ્યુ કરવા જેવી તમામ પ્રક્રિયાઓ હવે ઘર આંગણે જ ઉપલબ્ધ છે. આધાર સેન્ટર ખાતે આવતા અરજદારોને સમય અને સ્લોટ પ્રમાણે ટોકન આપવામાં આવે છે. આ સુવિધાથી નાગરિકોને લાંબી કતારોમાં ઉભા રહેવાની અને સમયનો વ્યય કરવાની જરૂર રહેતી નથી અને સરળતાથી આધાર કાર્ડ અપડેટની કામગીરી કરાવી શકે છે. આ સુવિધાનો વધુમાં વધુ લોકો લાભ લે તે માટે તંત્ર દ્વારા પણ અવાર-નવાર અપીલ કરવામાં આવી રહી છે. જિલ્લામાં હાલમાં ચાલી રહેલી આ કામગીરીનો લોકો તરફથી પણ ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. દરરોજ સરેરાશ ૧૦૦૦થી વધુ નાગરિકો આ સુવિધાનો લાભ લઈ રહ્યાં છે. જિલ્લામાં માત્ર ડિસેમ્બર-૨૦૨૪ દરમિયાન અંદાજિત ૨૫ હજાર કરતાં વધુ નાગરિકોએ આ લાભ લીધો છે. આ પ્રક્રિયા ડિજિટલ ઈન્ડિયા અભિયાનને મજબૂત બનાવવા સાથે જિલ્લાના નાગરિકોને ડિજિટલ ભારતના સપનાને પણ સાકાર કરવામાં મદદ મળી રહેશે.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST