DANG : ડાંગનો જિલ્લા કક્ષાનો ૭૬ મો પ્રજાસત્તાક દિન સુબિર ખાતે યોજાશે

આહવા તાલુકાનો કાર્યક્રમ જાખાના અને વઘઈ તાલુકાનો કાર્યક્રમ સરવર ખાતે યોજાશે
ઇન્ચાર્જ જિલ્લા કલેકટર શ્રી બી.બી.ચૌધરીના હસ્તે સુબીરમાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજાશે
સુબીરના નવજ્યોત હાઇસ્કુલ ખાતે પરેડ, વિવિધ શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરાશે
સુબીર ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના કાર્યક્રમ અંગે રિહર્સલ યોજાયું
DANG : ડાંગ જિલ્લા કક્ષાના સુબીરના નવજ્યોત હાઇસ્કુલ ખાતે યોજાનારા ૭૬ મો પ્રજાસતાક દિન બાબતે, ઇન્ચાર્જ ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી બી. બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટની કચેરી આહવાના સભાખંડમાં પ્રાંત અધિકારી સુ. શ્રી કાજલ આંબલીયાના અધ્યક્ષ સ્થાને પ્રજાસત્તાક દિવસની ગરિમાપુર્ણ ઉજવણી કરવા અંગે તારીખ ૨૩ ના રોજ એક મહત્વની બેઠક યોજાઇ હતી.
DANG : આહવા ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકને સંબોધતા પ્રાંત અધિકારી સુ. શ્રી કાજલ આંબલીયાએ કાર્યક્રમ સ્થળની ચકાસણી સહિત રજૂ થનારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો, માહિતીપ્રદ ટેબ્લો, શિસ્તબદ્ધ પરેડ તથા વ્યક્તિ વિશેષના સન્માન સહિતના કાર્યક્રમની વ્યવસ્થાઓ બાબતે પરામર્શ કર્યો હતો. જિલ્લા અધિકારીઓને કાર્યક્રમ સંબંધિત ફાળવેલી જવાબદારીઓ પૂર્ણ નિષ્ઠા સાથે સુપેરે બજાવવાની હિમાયત કરતા, પ્રાંત અધિકારીશ્રીએ કાર્યક્રમનું મિનિટ ટુ મિનિટ રિહર્સલ, પાર્કિંગ વ્યવસ્થા, ડાયસ પ્લાન, એનાઉન્સર, મહાનુભાવોના આગમન સંબંધિત વ્યવસ્થાઓ વિગેરે મુદ્દે જિલ્લા અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનનો કાર્યક્રમ સુબીરના નવજ્યોત હાઇસ્કુલ, સુબીર ખાતે, આહવા તાલુકા કક્ષાનો કાર્યક્રમ જાખાના તેમજ, વઘઈ તાલુકા કક્ષાનો કાર્યક્રમ સરવર ખાતે યોજાનાર છે.
DANG : દરમિયાન આજરોજ પ્રાંત અધિકારી સુ. શ્રી કાજલ આંબલીયાના અધ્યક્ષ સ્થાને સુબીરના નવજ્યોત હાઈસ્કૂલ ખાતે ઉજવણી કાર્યક્રમ સંદર્ભે રિહર્સલ યોજાયું હતું. જેમાં પોલીસ વિભાગ દ્વારા પરેડ રજૂ કરવા સાથે, વિવિધ વિભાગો દ્વારા ટેબ્લો રજૂ કરાયા હતા. સાથે વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની કૃતિઓ રજૂ કરાઈ હતી.
DANG : રિહર્સલ કાર્યક્રમ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ ખાંટ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિમાંશુ ગામિત, કાર્યપાલક ઇજનેર શ્રી કેતન કુંકણા, નાયબ કાર્યપાલક ઈજનેર શ્રી વિવેક પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જીગ્નેશ ત્રિવેદી, પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી વિજય દેશમુખ, સહિતના અધિકારીશ્રીઓ, પોલીસકર્મીઓ, હોમગાર્ડ જવાનો, શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.