દુનિયા માથે ચિંતાની લહેર:ચીનમાં કોરોના જેવા વાઇરસની એન્ટ્રી, દર્દીઓથી ઊભરાઈ હોસ્પિટલો, ભારત પણ એક્શનમાં,
કોરોના મહામારી અને તબાહી કોઈ ભૂલી નહીં શકે. ચીનના વુહાનમાંથી 2019માં ઉદ્ભવેલા કોરોના વાઇરસે દુનિયાના લાખો લોકોના જીવ લઈ લીધા. કોરોનાથી દુનિયાને માંડ માંડ કળ વળી છે ત્યાં ફરી ચીનમાં નવા HMPV નામના વાઇરસે કહેર મચાવવાનું શરૂ કર્યું છે. ચીનનાં ઘણાં રાજ્યોમાં આ વાઇરસ ફેલાઈ ચૂક્યો છે. હોસ્પિટલોમાં વેઇટિંગ લિસ્ટ છે. દરેકના ચહેરા પર માસ્ક છે અને આંખોમાં મોતનો ભય.
ચીનમાં કોઈ વાઇરસ ફેલાય ને આખી દુનિયાના શ્વાસ અધ્ધર થઈ જાય. આ વખતે પણ એવું જ થયું છે. સોશિયલ મીડિયામાં ચીનનાં ભયાનક દૃશ્યોના વીડિયો વાઇરસની જેમ સ્પ્રેડ થઈ રહ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે દરેકના ચહેરે માસ્ક છે. હોસ્પિટલો હાઉસફુલ છે. મા-બાપ બીમાર બાળકોને લઈને પહોંચ્યાં છે. આ દૃશ્યો જોઈને દુનિયાના દરેક દેશના લોકોને એવો ભય સતાવી રહ્યો છે કે ચીનમાં આ વાઇરસ ફેલાયો, હવે આપણો વારો આવશે તો? જોકે કોરોનાના અનુભવ પછી ભારત સરકાર એલર્ટ થઈ ગઈ છે અને તમામ રાજ્યો માટે એડવાઇઝરી જાહેર કરીને તમામ રીતે તૈયાર રહેવા કહ્યું છે.
ચીનમાં જે વાઇરસ ફેલાયો એ શું છે?
ચીનમાં 16 ડિસેમ્બરથી એકાએક તાવ, શરદી, ઉધરસના કેસો વધી ગયા. 22 ડિસેમ્બર સુધીમાં ચીનનાં ઘણાં રાજ્યોમાં બાળકો અને મોટેરાંની હાલત કફોડી થઈ ગઈ. હોસ્પિટલોમાં ભીડ થવા લાગી. વેઇટિંગ એરિયામાં દર્દીઓને બેસાડીને ઓક્સિજન માસ્ક પહેરાવવા પડ્યાં. ચીનની દરેક હોસ્પિટલમાં એવી જ સ્થિતિ છે. આ બધું થયું કોરોના જેવા એક નવા વાઇરસ ફેલાવાને કારણે. આ વાઇરસનું નામ છે- HMPV. એનું આખું નામ થાય, હ્યુમન મેટાન્યુમોવાઇરસ. આ વાઇરસનો ચેપ લાગવાથી એ જ બધું થાય, જે કોરોનાથી થતું હતું. આમ તો ચીનમાં આ વાઉરસનો પગપેસારો ઓક્ટોબર-2024થી થઈ ગયો છે. ચીની મીડિયાએ 23 નવેમ્બરે પહેલીવાર આ વાત જાહેર કરી દીધી હતી.
HMPV વાઇરસ સાવ નવો છે?
HMPV (હ્યુમન મેટાન્યુમોવાઇરસ) એ નવો વાઇરસ નથી. આપણી વચ્ચે છ દાયકાથી આ વાઇરસ છે, પણ આ વાઇરસની ઓળખ ડચ રિસર્ચરોએ 2001માં કરી. એ 2001માં ડચ રિસર્ચરોએ શ્વાસની તકલીફ ધરાવતાં બાળકોનાં સેમ્પલ લીધાં, એમાં આ વાઇરસ જોવા મળ્યો હતો. આ વાઇરસ બાળકોને અને મોટેરાંને તરત ન્યુમોનિયા કરી નાખે છે એટલે એનું નામ એ રીતે રાખવામાં આવ્યું.
ચીન પહેલાં અગાઉ આ વાઇરસ કોઈ દેશમાં જોવા મળ્યો છે?
ક્રિએટિવ ડાયગ્નોસ્ટિક્સ નામના મેગેઝિનમાં પ્રકાશિત રિપોર્ટમાં લખ્યું છે કે અગાઉ આ વાઇરસ અમેરિકા, કેનેડા, યુરોપ અને અન્ય દેશોમાં જોવા મળ્યો છે અને લોકોને ચેપ પણ લાગ્યા છે. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, અમેરિકામાં 2023માં HMPV વાઇરસના કેસોમાં 11%નો વધારો જોવા મળ્યો હતો.
અગાઉ વાઇરસ ફેલાયો હતો તો હવે ચર્ચા કેમ ?
જ્યારે આ વાઇરસની ઓળખ થઈ અને 2023માં અમેરિકામાં ફેલાયો ત્યારે એ પ્રમાણમાં બહુ હળવો હતો. શરદી-ઉધરસ થાય ને ત્રણ-ચાર દિવસમાં મટી જાય. સમય જતાં આ વાઇરસે એનું રૂપ બદલ્યું છે અને હવે એ ઘાતક બન્યો છે. ચીનમાં 16 ડિસેમ્બરથી જે વાઇરસ કહેર મચાવે છે એ ઘાતક રૂપ ધરાવે છે. મેડિકલની ભાષામાં કહીએ તો વાઇરસનું મ્યુટેશન બદલાઈ ગયું છે. જે રીતે કોરોના રૂપ બદલીને ઓમિક્રોન બની ગયો અને એણે ઘણાં રૂપ બદલ્યાં એ રીતે HMPV વાઇરસે પણ રૂપ બદલી નાખ્યું છે. જે રીતે કોરોના RNA પ્રકારનો વાઇરસ હતો એમ HMPV પણ RNA પ્રકારનો વાઇરસ છે. RNA એટલે રાયબોન્યુક્લિએક એસિડ વાઇરસ. સરળ ભાષામાં સમજીએ તો પોતાનું DNA બદલતો, રૂપ બદલતો વાઇરસ.
ચીનમાં એક હોસ્પિટલમાં રોજના 1200 કેસ આવી રહ્યા છે HMPV વાઇરસને કારણે ચીનની રાજધાની બીજિંગની તમામ હોસ્પિટલો અને 500 માઈલ (લગભગ 800 કિમી)ની ત્રિજ્યામાં દર્દીઓથી ભરેલી છે. અલજઝીરાના રિપોર્ટ અનુસાર, બીજિંગની એક હોસ્પિટલમાં રોજ આ વાઇરસથી સંક્રમિત લગભગ 1200 દર્દી ઇમર્જન્સીમાં દાખલ થઈ રહ્યા છે. એક હોસ્પિટલમાં રોજના 1200 દર્દી, તો વિચારો કે તમામ હોસ્પિટલોમાં મળીને કેટલા દર્દીઓ હશે!
HMPV વાઇરસનાં લક્ષણો શું ?
શરદી, ઉધરસ
તાવ આવે
માથું દુ:ખે
શરીરમાં કળતર થાય
શ્વાસ લેવામાં તકલીફ થાય
નાક બંધ થઈ જવું
ઇન્યુનિટી નબળી હોય તો બ્રોન્કાઇટિસ અને ન્યુમોનિયા થાય
આ વાઇરસ કેવી રીતે ફેલાય છે? HMPV વાઇરસ હવામાં ફેલાય છે. આ વાઇરસ પર અભ્યાસ થયો, એના રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે મોટે ભાગે આ વાઇરસ હવામાં ભેજ સાથે ટીપાંરૂપે ફેલાય છે - ખાસ કરીને ઉધરસ અને છીંક દ્વારા. વાઇરસ શરીરમાં ઘૂસ્યા પછી ત્રણથી પાંચ દિવસે એનાં લક્ષણો દેખાય છે. રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેને આ વાઇરસ તરત લાગી જાય છે. આ વાઇરસ બારેમાસ ફેલાય છે, પણ શિયાળામાં અને વસંતઋતુમાં એની સંખ્યા ખૂબ વધી જાય છે. ગંભીર વાત એ છે કે પાંચ વર્ષથી ઓછી વયનાં બાળકોને આ વાઇરસ તરત લાગી જાય છે અને તેની હાલત કફોડી બની શકે છે.
આ વાઇરસથી કોને કોને ચેપ લાગવાનો ખતરો છે ?
14 વર્ષથી નીચેનાં બાળકોને
60 વર્ષથી વધુ ઉંમરના વડીલોને
કોઈને મોટી બીમારી હોય તેમને
આ વાઇરસથી કેવી રીતે ધ્યાન રાખવાનું
જેમ આગળ કહ્યું એમ, આ વાઇરસ કોરોના જેવો જ ચેપી છે, એટલે કોરોના વખતે ધ્યાન રાખતા હતા એવું જ ધ્યાન HMPVમાં રાખવાનું છે, કારણ કે આ વાઇરસ હવામાંથી ફેલાય છે અને સર્ફેસ, કોઈ વસ્તુઓમાંથી પણ ચેપ લાગી શકે છે.
ભીડમાં જવાનું ટાળો
બહાર નીકળો ત્યારે માસ્ક પહેરો
દર કલાકે સાબુથી હાથ ધોતા રહો
કોરોનાએ 70 લાખ લોકોનો ભોગ લીધો હતો 2019માં ચીનમાંથી કોરોના વાઇરસ ફેલાયો હતો. કોવિડ-19નો પહેલો કેસ 2019માં ચીનના વુહાન શહેરમાં જોવા મળ્યો હતો. ત્યારે એને રહસ્યમયી ન્યુમોનિયા હોવાનું માનવામાં આવતું હતું. આ રહસ્યમયી ન્યુમોનિયા SARS-CoV-2 વાઇરસ (કોરોના વાઇરસ) દ્વારા ફેલાતો હોવાનું તારણ નીકળ્યું હતું. આ પછી આ વાઇરસ વિશ્વમાં ઝડપથી ફેલાઈ ગયો. 30 જાન્યુઆરી, 2020ના દિવસે WHOએ કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરી. વિશ્વભરમાં કોવિડના 70 કરોડથી વધુ કેસ નોંધાયા અને 70 લાખથી વધારે લોકો મૃત્યુ પામ્યા. ભારતમાં લોકડાઉન લાગ્યું હતું અને ભારત સરકારે મફત રસી આપી હતી.
ભારતમાં અસર થશે? વેક્સિન કામ કરશે? ભારતમાં રહેતા લોકોને સૌથી પહેલી ચિંતા એ થાય કે કોરોના ચીનમાંથી ઉદ્ભવ્યો હતો અને ફરતો ફરતો ભારત આવ્યો હતો. એમાં પહેલો કેસ કેરળમાં થયો હતો. એવી રીતે નવો HMPV વાઇરસ ભારતમાં આવશે? ભારતના લોકોએ કોરોના વખતે જે વેક્સિન લીધી હતી એ કામ કરશે? હેલ્થકેર એક્સપર્ટ ડો. પીએસવી રાવે ન્યૂઝ એક્સ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ચીન કાયમ ગુપ્ત રહ્યું છે એટલે એ નવા વાઇરસ વિશે ક્યારેય કોઈ માહિતી જાહેર કરે નહીં. કોરોના વખતે પણ એવું જ કર્યું હતું. આમાં પણ એવું જ થયું છે. આપણે ચીનથી આવતા માલ અને માણસો બાબતો એલર્ટ રહેવાની જરૂર છે. આપણે ચીનથી આવતા પ્રવાસીઓનું એરપોર્ટ પર ચેકિંગ કરવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે આપણે જે વેક્સિન લીધી છે એવી ઇન્ફ્લુએન્ઝા માટેની વેક્સિન દર વર્ષે લેવી જોઈએ. આમ તો દર છ મહિને લઈએ તો જ એની અસર રહે છે. કોરોના જેવો નવો વાઇરસ આવ્યો છે, એવું કહેવાય છે પણ આ નવો વાઇરસ કેવો છે, એની શું અસર થઈ રહી છે એનો અભ્યાસ કરવો પડે. હજી આપણે નવા વાઇરસ વિશે સાંભળ્યું છે, પણ એનાથી અજાણ છીએ, પણ કોરોના વખતે જે વેક્સિન લીધી હતી અત્યારે તો કામ ન જ કરે.
ભારતની હેલ્થ મિનિસ્ટ્રી એલર્ટ, આ આદેશો આપ્યા કેટલીક એવી અફવા ફેલાઈ હતી કે ચીનના નવા વાઇરસના કેસો ભારતમાં પણ થયા છે. 7 કેસ નોંધાયા છે. લોકો દિલ્હીની એઇમ્સમાં તપાસ કરવા દોડ્યા હતા એટલે અફવાને વેગ મળ્યો હતો, પણ દિલ્હીની એઇમ્સે આ વાતને ફગાવી દીધી છે અને કહ્યું છે કે ભારતમાં નવા વાઇરસનો કોઈ કેસ નથી, જોકે 10 દિવસ પહેલાં જ ભારતની હેલ્થ મિનિસ્ટ્રીએ તમામ રાજ્યો માટે એડવાઇઝરી જાહેર કરીને એલર્ટ રહેવા સૂચના આપી છે. જે સૂચના આપી છે એમાં...
હોસ્પિટલોમાં બેડ અને સ્ટાફની અછત ન થાય
જરૂરી દવાઓ અને એન્ટીબાયોટિક્સનો સ્ટોક રાખો
ઓક્સિજન પ્લાન્ટ અને વેન્ટિલેટર બરાબર કામ કરે છે કે નહીં એ ચેક કરો વધારે માત્રામાં ઓક્સિજન-સિલિન્ડર રાખો
PPE કિટ અને ટેસ્ટિંગ કિટનો સ્ટોક વધારે રાખો
બીમારી ફેલાતી રોકવા માટે પ્રોટોકોલની સમીક્ષા કરો