THE INDIAN SOCIOLOGIST

NEHARU YUVA KENDRA : સુરત ખાતે નહેરુ યુવા કેન્દ્ર-સુરત દ્વારા કાશ્મીરી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમનો શુભારંભ

NEHARU YUVA KENDRA : સુરત ખાતે નહેરુ યુવા કેન્દ્ર-સુરત દ્વારા કાશ્મીરી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમનો શુભારંભ


સાંસદ મુકેશભાઈ દલાલે સુરત-ગુજરાતની ભૂમિ પર કાશ્મીરી યુવાઓને આવકાર્યા

NEHARU YUVA KENDRA : તા.૧૧મી જાન્યુ. સુધી ૧૩૨ કાશ્મીરી યુવા વિદ્યાર્થીઓ ગુજરાતની સંસ્કૃત્તિ અને વિકાસની ઝાંખી કરશે

NEHARU YUVA KENDRA : કાશ્મીરી ખીણમાં યુવાનો આતંકવાદના ઓછાયા હેઠળ જીવન જીવી રહ્યા છે, ત્યારે સ્થાનિક કાશ્મીરી યુવાનો એકતા અને દેશપ્રેમની ભાવના કેળવે, કટ્ટરપંથી પ્રવૃતિઓથી દૂર રહી પોતાનો સર્વાંગી વિકાસ સાધે એ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સહયોગથી કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર-સુરત અને માય ભારત-સુરત દ્વારા તા.૦૬ થી ૧૧ જાન્યુઆરી સુરતમાં આયોજિત કાશ્મીરી યુવા આદાન પ્રદાન કાર્યક્રમનો શુભારંભ સાંસદશ્રી મુકેશભાઈ દલાલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.

NEHARU YUVA KENDRA : જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધીની વિશેષ ઉપસ્થિતિમાં સાંસદશ્રી મુકેશભાઈ દલાલે શ્રી બદ્રી નારાયણ મંદિર-અડાજણ ખાતે ઉમળકાથી સ્વાગત કરી કાશ્મીરી યુવાનોને સુરત-ગુજરાતની ભૂમિ પર આવકાર્યા હતા. તેમણે જણાવ્યું કે, યુવા વિનિમય કાર્યક્રમથી કાશ્મીર અને ગુજરાતના યુવાનો વચ્ચે સમજ અને મિત્રતામાં વધારો થશે. યુવાનો ભયના ઓથારથી બહાર આવી વિકાસના માર્ગે અગ્રેસર થાય એવો આશય છે. કાશ્મીરના કેટલાક રાહ ભટકી ગયેલા યુવાનોને સુરત આવેલા યુવાનોમાંથી પ્રેરણા મળશે અને વિકાસની મુખ્ય ધારામાં સામેલ થશે. સાંસદશ્રીએ ૧૩૨ પ્રતિભાગીઓને વિચારો અને સાંસ્કૃત્તિક આદાનપ્રદાન કરવા સાથે રાષ્ટ્ર પ્રત્યે તેમની જવાબદારીઓ અંગે ઉમદા શીખ આપી જાગૃત કર્યા હતા. જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધીએ જણાવ્યું કે, વિવિધતામાં એકતા ધરાવતા આપણા દેશમાં સ્થાનિક સંસ્કૃતિ, ખાનપાન, રહેણીકરણી, પહેરવેશ, ભાષા-બોલીમાં અનોખું વૈવિધ્ય જોવા મળે છે. આ સૌનું આગવું મહત્વ અને લાક્ષણિકતાઓ છે. સુરતમાં આવેલા કાશ્મીરી યુવાનો સ્થાનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઔદ્યોગિક અને સહકારી ક્ષેત્ર, પ્રવાસન, સુરતનું સ્થાપત્ય, ખાનપાન, ઈતિહાસ અને સાંસ્કૃતિક વારસાને નજીકથી નિહાળી શકશે. તેમને જાણી-માણી શકશે. યુવાનો પરસ્પર સંવાદ, સહકાર અને ટીમ વર્ક દ્વારા નવી શીખ અને અનુભવો મેળવશે અને કાશ્મીર જઈ સ્વઅનુભવો મિત્રો, પરિજનો અને અન્ય નાગરિકો સાથે શેર કરશે.

NEHARU YUVA KENDRA : નહેરુ યુવા કેન્દ્ર-સુરતના જિલ્લા યુવા અધિકારી સચિન શર્માએ કાર્યક્રમની રૂપરેખા આપતા જણાવ્યું કે, અનંતનાગ, કૂપવાડા, બારાંમુલ્લા, બડગામ, શ્રીનગર અને પુલવામાના ૧૩૨ કાશ્મીરી યુવાનો ૧૨ ટીમ લીડરો સાથે જગદીશચંદ્ર બોસ મ્યુનિસિપલ એક્વેરિયમ, ચોક બજાર સ્થિત ઐતિહાસિક કિલ્લાની મુલાકાત લેશે. આ સાથે હજીરા અદાણી પોર્ટ, હરેક્રિષ્ણા ડાયમંડ, લક્ષ્મીપતિ ટેક્સટાઈલ, યુરો ફ્રૂડ પ્રા.લિ., AURO યુનિવર્સિટીની મુલાકાત લેશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતની વિવિધતામાં એકતા અને કાશ્મીરી યુવાનોને અન્ય પ્રદેશોની સાંસ્કૃતિક ધરોહરો સાથે પરિચિત કરાવવાનો છે. તમામ યુવાનો પોતપોતાના ગામ, શહેરમાં જઈ ગુજરાતના વિકાસ, સુખાકારીથી સૌને પરિચિત કરાવે એ માટેનો યુથ એક્સચેન્જનો આ પ્રયાસ છે એમ જણાવી તેમણે પોતાના વતન જઈ ગુજરાતની અસ્મિતાની સુવાસ ફેલાવવાનો સર્વ યુવાનોને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે નહેરુ યુવા કેન્દ્રના સ્ટેટ ડિરેક્ટરશ્રી દુષ્યંત ભટ્ટે પ્રાસંગિક ઉદ્દબોધન કરી કાશ્મીરના યુવાઓ ગુજરાતની અભૂતપૂર્વ શાંતિ, સુખાકારી અને વિકાસની અનૂભૂતિ કરી પ્રગતિની શક્તિને સમજશે એમ જણાવ્યું હતું.

NEHARU YUVA KENDRA : આ પ્રસંગે જિ.પંચાયતના ઉપપ્રમુખ અશોકભાઈ રાઠોડ, NYK-નવસારીના જિલ્લા યુવા અધિકારી વર્ષા રોઘા, NYK-દમણના જિલ્લા યુવા અધિકારી અનુપમ કૈથવાસ સહિત યુવા પ્રતિભાગીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST