THE INDIAN SOCIOLOGIST

SWAMITVA YOJANA : વ્યારા ખાતે સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડ વિતરણ અને વડાપ્રધાનશ્રી સાથે વર્ચ્યુઅલ સંવાદ કાર્યક્રમ યોજાયો

વ્યારા ખાતે સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડ વિતરણ અને વડાપ્રધાનશ્રી સાથે વર્ચ્યુઅલ સંવાદ કાર્યક્રમ યોજાયો

સ્વામિત્વ યોજનાથી આજે આપણા ગ્રામીણ વિસ્તારોના નાગરિકો ખરા અર્થમાં સંપતિના માલિક બન્યા છે મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ

ભારતભરમાં ૫૦ હજાર ગામોના ૬૫ લાખ પ્રોપર્ટીધારકોને સ્વામિત્વ યોજના હેઠળ હાથોહાથ પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરવાના કાર્યક્રમની સાથે ગુજરાતના ૨૦ જિલ્લાઓમાં પણ યોજાયો હતો.

SWAMITVA YOJANA : સ્વામિત્વ યોજના અંતર્ગત તૈયાર થયેલ મિલકતોના પ્રોપર્ટીકાર્ડનું માન.વડાપ્રધાનશ્રી દ્વારા ઈ-વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશ અને ગુજરાતની સાથે તાપી જીલ્લામાં પણ પ્રોપર્ટી કાર્ડ વિતરણનો આ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા પંચાયતના ઓડીટોરીયમ ખાતે વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં જમીન અને પ્રોપર્ટીના સાચા માલિકોને પર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. ૨૦૨૧થી શરુ થયેલી આ યોજના અંતર્ગત તાપી જીલ્લામાં ૩૬૯ ગામોમાં ડ્રોન ફ્લાઈટ થયેલ છે. જેમાં સર્વે ઓફ ઇન્ડીયા તરફથી ૨૫૦ ગામ મળેલ છે. કુલ ૧૫૦ ગામની ગ્રાઉન્ડ ટુથીંગ વર્ક તથા ડેટા એન્ટ્રી થયેલ છે. કુલ ૧૪૩ ગામનું પ્રમોલગેશન પૂર્ણ થયેલ છે. આટલા ગામોમાં કુલ ૪૪૭૯ મિલકત કાર્ડ જનરેટ થઈ ગયેલ છે. જેમાંથી ૧૮૧૬ પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરી દેવામાં આવ્યા છે. મંત્રીશ્રીએ આ સ્વામિત્વ યોજનાના વિતરણ સમારંભમાં જણાવ્યું હતું કે, આ કાર્ડને કારણે ચોક્કસ રેકોર્ડ ઉભો થશે, કાયદાકીય કેસ ઘટશે, ગ્રામ્યસ્તરે સારું આયોજન થઈ શકશે અને મહિલાઓને પણ માલિકી હક્કમાં હિસ્સેદારી મળશે. સ્વામિત્વ કાર્ડ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આ કાર્ડ જમીન અને મકાનના સાચા માલિકને તેનો હક્ક પારદર્શી રીતે પૂરો પાડે છે. મિલકતને લઈને કુટુંબમાં વાદ-વિવાદ થતા હતાં, તેનું નિરાકરણ આ કાર્ડને કારણે કાયમી ધોરણે આવશે. ગરીબોને પડતી મુશ્કેલીઓને વાચા આપવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૧માં સ્વામિત્વ યોજનાની શરૂઆત કરી હતી. આ યોજનાથી ગ્રામીણ કક્ષાએ સર્વગ્રાહી વિકાસ થશે, મિલકતની માપણી સરળતાથી કરી શકાશે, તેમ જ માલિકને 'રેકોર્ડ ઓફ રાઇટ' ઉપલબ્ધ થશે. મંત્રીશ્રી મુકેશભાઇ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, સરકાર દ્વારા મહિલાઓ, યુવાનો, કિસાનો અને ગરીબ એમ ચાર સ્તંભ પર સર્વગ્રાહી સમાજ વિકાસ થાય તે માટે ભાર મૂકવામાં આવી રહ્યો છે. સમાજમાં તમામ ક્ષેત્રનો વિકાસ થાય અને બધા લોકો વિકાસની મુખ્યધારામાં આવે તે માટે રાજ્ય સરકાર હરહંમેશ પ્રયત્નશીલ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ આ યોજનામાં મહિલાઓને પણ મકાનમાં માલિકી હક્ક મળે તે માટે નોંધણી ફી માં મુક્તિ આપવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. જેને કારણે આજે દરેક ઘર અને સમાજમાં મહિલાઓના નામે મકાન થતાં મહિલાઓનું સન્માન સવિશેષ થયું છે.

SWAMITVA YOJANA : ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણીએ આ યોજના સંદર્ભે જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો માટે આ લાભદાયી યોજના ખુબ આશીર્વાદરૂપ છે. સરકારે તમામ વર્ગના લોકોની કાળજી લીધી છે. આ મહત્વકાંક્ષી યોજનાથી સત્તાવાર દસ્તાવેજીકરણ વધુ સુગમ અને સુલભ બનશે. આ અવસરે વડાપ્રધાનશ્રીના વક્તવ્યનું જીવંત પ્રસારણ રજૂ કરવામાં આવ્યું હતું જેને તાપી જીલ્લાના લાભાર્થીઓ તેમજ જીલ્લાના નાગરિકોએ નિહાળ્યું હતું. સ્વચ્છતા અને નશામુક્તિ અંગેના સામૂહિક શપથ લેવામાં આવ્યાં હતાં. આ સમારંભમાં જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન શાહ, પ્રાયોજના અધિકારીશ્રી રામનિવાસ બુગાલીયા, નાયબ વન સરક્ષક શ્રી પુનીત નાયર, પદ્મશ્રી રમીલાબેન ગામીત, નગરપાલિકા પ્રમુખશ્રી રીતેશ ઉપાધ્યાય, તાલુકા પંચાયત પ્રમુખશ્રી ઈશ્વરભાઈ ગામીત વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા.

સ્વામિત્વ યોજના શું છે?

SWAMITVA YOJANA : સર્વે ઓફ વિલેજીસ એન્ડ મેપીંગ વિથ ઈમ્પ્રોવાઇઝ્ડ ટેક્નોલોજી ઇન વિલેજ એરિયા (સ્વામિત્વ) યોજના હેઠળ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને મિલ્કતના નકશા બનાવી મિલ્કતધારકોને રેકોર્ડ ઓફ રાઇટ એટલે કે કાનૂની માલિકી હક્ક (પ્રોપર્ટીકાર્ડ/માલિકીનો દસ્તાવેજ) આપવામાં આવે છે.

સ્વામિત્વ યોજનાના મુખ્ય હેતુઓ

SWAMITVA YOJANA : ગ્રામીણ વિકાસના આયોજન તેમજ પ્રોપર્ટીની તકરારો હળવી થશે તેમજ સચોટ જમીન રેકોર્ડ તૈયાર થશે. લાભાર્થી પોતાની મિલકતનો ઉપયોગ લોન મેળવવા તેમજ અન્ય આર્થિક લાભ મેળવવા કરી શકશે. જેથી ગ્રામીણ નાગરિકોના જીવનમાં આર્થિક સ્થિરતા આવશે. સંપત્તિ કરનું ચોકકસ નિર્ધારણ કરી શકાશે જેનો સીધો લાભ ગ્રામ પંચાયતોને મળશે. આ યોજના અંતર્ગત તૈયાર થયેલા જી.આઈ.એસ. નકશાઓનો ઉપયોગ ભવિષ્યને લક્ષમાં લઈ દરેક વિભાગ દ્વારા આયોજન ઘડવામાં કરી શકાશે. ગ્રામ પંચાયત વિકાસ યોજના (GPDP) તૈયાર કરવામાં મદદરૂપ થશે. રજીસ્ટ્રેશન માહિતી : સ્વામિત્વ યોજનાનો લાભ મેળવવા માટે વેબસાઇટ https://egramswaraj.gov.in/ પર ન્યૂ યુઝર માટે રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનું રહેશે. જેમાં તમામ માહિતી દાખલ કરવાની રહેશે. ફોન નંબર અને ઈમેલ આઈડી પણ દાખલ કરવો પડશે. આ પછી તમે રજીસ્ટ્રેશન ફોર્મ સબમિટ કરો. તમારી અરજી સફળતાપૂર્વક સબમિટ કરવામાં આવશે. આ પછી, બાકીની કાર્યવાહી વિભાગ દ્વારા લેવામાં આવશે અને પ્રક્રિયા પૂર્ણ થયા પછી, પ્રોપર્ટી પ્રમાણપત્ર આપવામાં આવશે.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST