ભચાઉ તાલુકાના આધોઈ ગામે સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતોનો ધામધૂમથી ચાતુર્માસ મંગલ પ્રવેશ થયો
શ્રી આધોઈ (તા.ભચાઉ) શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના આંગણે, પરમ પૂજ્ય આચાર્યશ્રી અનંતયશસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન પરમ પૂજ્ય પન્યાસપ્રવરશ્રી અનંતજ્ઞાનવિજયજી મહારાજ સાહેબ આદિ ઠાણા-૪ તથા સાધ્વીશ્રી દિવ્યગીરાશ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણા-૩ નો ગુણવિકાસ ચાતુર્માસ મંગલ પ્રવેશ, કચ્છી નવું વર્ષ - અષાઢીબીજને તા.૨૭-૦૬ ને શુક્રવારના ધામધૂમથી થયો હતો.
આધોઈના શાહુનગરના ગેટથી મહારાજ સાહેબનું ભવ્યાતિભવ્ય સામૈયુ નીકળ્યું હતું. આ સામૈયામાં બહોળી સંખ્યામાં ભાવિકો જોડાયા હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના મીડિયા કન્વીનર દિનેશભાઈ મણિલાલ શાહ (મહેતા) એ જણાવ્યું હતું.
ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે ગુરૂપૂજનનો લાભ ભાનુબેન ખેતશી મેઘજી ચરલાએ, ગુરૂભગવંતોને કામળી વહોરાવવાનો લાભ દિવાળીબેન ધરમશી શાહે તથા ગ્રંથ વહોરાવવાનો લાભ કુંવરબેન વેલજી ડાયાભાઈ શાહે લીધો હતો.
અષ્ટપ્રકારી પૂજાનો લાભ જયાબેન પ્રેમજી ચાંપશીએ લીધો હતો જ્યારે જ્ઞાનપૂજનનો લાભ અનુક્રમે હરખુબેન નેમચંદ ગાલાએ, ગોમતીબેન પ્રેમજી નરશીએ, અરધીબેન કુંવરજી કાનજી ગાલાએ, નવલબેન વાલજી નરપાર ગડાએ અને પાર્વતીબેન પ્રેમજી છેડાએ લીધો હતો.
શ્રી આધોઈ વિશા ઓસવાળ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના પ્રમુખ-મંત્રી તથા સમગ્ર ટ્રસ્ટીમંડળ ચાતુર્માસને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.