"નવચેતન" સંચાલિત નિ:શુલ્ક છાશ કેન્દ્રનું સમાપન કરાયું
માંડવીમાં જૈન સેવા સંસ્થા "નવચેતન" સંચાલિત નિ:શુલ્ક છાશ કેન્દ્રનું સમાપન કરાયું
૩ માસમાં ૪૧,૭૦૦ લિટર છાશનું નિ:શુલ્ક વિતરણ કરાયું, ૨.૬૦ લાખ લોકોની ભક્તિ કરાઈ
ગચ્છાધિપતિ આચાર્ય પ.પૂ.આ.ભ.શ્રીમદવિજયકલ્પતરુસુરીશ્વરજી મ.સા. ના આશીર્વાદ અને પ્રેરણાથી, છેલ્લા ૧૫ વર્ષથી સ્વ. ચેતન મહેતાની સ્મૃતિમાં, વિવિધ સેવા અંગે સતત કાર્યરત જૈન સેવા સંસ્થા "નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર" ના ઉપક્રમે દાતા માતૃશ્રી કમલાવંતીબેન શશીકાંતભાઈ મોરબીયા માંડવી હાલે ભુજના સહયોગથી છેલ્લા ૩ માસથી માંડવીમાં નવાપરા મધ્યે નિ:શુલ્ક છાશ કેન્દ્રનું તાજેતરમાં સમાપન કરાયું હતું.
સંસ્થાના પ્રમુખ વી. જી. મહેતાના અધ્યક્ષ સ્થાને ભુજ તથા માંડવીના કાર્યકરો તેમજ વિશાળ સંખ્યામાં લાભાર્થીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમનો શુભારંભ મંત્રાધિરાજ નવકાર મહામંત્રના જાપ સાથે કરાયો હતો. જયેશભાઈ ચંદુરાએ લોકોને આવકાર્યા હતા.
કાળઝાળ ગરમીમાં શ્રમજીવી પરિવારોના હૈયે ટાઢક થાય અને ઉનાળાના અમૃત "છાશ" ના ઉપયોગથી તેઓ પોતાનું ભોજન રૂચિકર બનાવી શકે તે હેતુથી આ નિ:શુલ્ક છાશ કેન્દ્રનો તા. ૩૦-૦૩ થી શુભારંભ કરાયો હતો અને કચ્છી નૂતન વર્ષ અષાઢી બીજ, તા. ૨૭-૦૬ ના રોજ તેનું સમાપન કરાયું હતું. આ રીતે સળંગ ૩ માસ એટલે કે ૯૦ દિવસ ચાલુ રહેલ આ નિ:શુલ્ક છાશ કેન્દ્ર પરથી, દરરોજ નાત-જાતના ભેદભાવ વિના, ૫૩૦ જેટલા પરિવારોને, પરિવાર દીઠ ૧ લીટર છાશનું નિ:શુલ્ક વિતરણ કરાયું હતું અને કુલ ૪૧,૭૦૦ લીટર છાશનું નિ:શુલ્ક વિતરણના માધ્યમથી, ૨.૬૦ લાખ લોકોની સેવા-ભક્તિ કરવાનો સંસ્થાને લાભ મળ્યો હોવાનું સંસ્થાના પ્રમુખ વેલજીભાઈ ગણેશભાઈ મહેતા અને પ્રોજેક્ટ ચેરમેન દિનેશભાઈ શાહની સંયુક્ત યાદીમાં જણાવાયું હતું.
સમારોહના અધ્યક્ષ સ્થાનેથી સંસ્થાના પ્રમુખ વી.જી.મહેતાએ, કર્મભૂમિ માંડવી અને લાભાર્થી પરિવારો તથા દાતા પરિવારને નમન કરી, સહયોગ બદલ દરેકનો આભાર માન્યો હતો અને દાતા પરિવારની દિલેરીને બિરદાવી હતી. દાતા પરિવારના ડો. રૂપાલીબેન મોરબીયાએ સંસ્થાના સુચારું આયોજનની સરાહના કરી લાભ આપવા બદલ સંસ્થાનો આભાર માન્યો હતો. બાદમાં ઉપસ્થિત મહાનુભાવો તથા સંસ્થાના કાર્યકરોના હસ્તે છાશનું વિતરણ કરાયું હતું અને નિ:શુલ્ક છાશ કેન્દ્રનું સમાપન કરાયું હતું.
આ સેવા પ્રકલ્પને સુપેરે પાર પાડવા સંસ્થાના પ્રમુખ વી.જી.મહેતાના નેતૃત્વમાં, પ્રોજેક્ટ ચેરમેન દિનેશભાઈ શાહ, જયેશભાઈ ચંદુરા, અનસુયાબેન શાહ, જયશ્રીબેન ગિરનારી, મધુબેન વ્યાસ અને વિપુલભાઈ સોલંકી વિગેરેએ જહેમત ઉઠાવી હતી. જયંતીભાઈ સંઘવી, રમણીકભાઈ સલાટ, મોહન ગઢવી વિગેરે સહયોગી રહ્યા હતા. સમાપન વેળાએ, ભુજના કાર્યકરો શ્રી પ્રદીપભાઈ દોશી, શાંતિલાલ મોતા, અંકુર મોતા, ગીરીશભાઈ પારેખ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન પ્રોજેક્ટ ચેરમેન દિનેશભાઈ શાહે અને આભારવિધિ જયેશ ચંદુરાએ કરી હતી.