લાકડીયા ગામમાં ૪૪ વર્ષ બાદ પ્રથમ જ વખત ૭મી જુલાઈના
ચાતુર્માસ મંગલ પ્રવેશ
ભચાઉ તાલુકાના લાકડીયા ગામમાં દેરાવાસી જૈન સંઘોમાં ૪૪ વર્ષ બાદ સાધુ ભગવંતોનો પ્રથમ જ વખત ૭મી જુલાઈને સોમવારના ચાતુર્માસ મંગલ પ્રવેશ થશે
શ્રી લાકડીયા (તા.ભચાઉ) વિશા ઓસવાળ મૂર્તિપૂજક સંઘના આંગણે ૪૪ વર્ષ બાદ સાધુભગવંતોનો પ્રથમ જ વખત તા.૦૭-૦૭ ને સોમવારના સવારના ચાતુર્માસ પ્રવેશ થશે.
શાંતિનાથ ભગવાનના પ્રાચીન જિનાલય તેમજ આદિનાથ ભગવાનની છત્ર-છાયામાં તેમજ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત દેવેન્દ્રસુરી મહારાજ સાહેબની જન્મભૂમિ લાકડીયામાં આ અગાઉ વાગડ સમુદાયના પરંપરાએ આવેલ આચાર્ય ભગવંતોએ યશસ્વી ચાતુર્માસ કરેલ છે.
લાકડીયા (તા.ભચાઉ) ની પવિત્ર ભૂમિમાં પરમ પૂજ્ય સુવિશાલ ગચ્છાધિપતિ અધ્યાત્મનીષ્ઠ આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કલ્પતરૂસૂરીશ્વરજી મહારાજ સાહેબના આશીર્વાદથી પરમ પૂજ્ય મધુરભાષી આચાર્ય ભગવંત કલાપ્રભસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન મુનિવર્ય કૃતપુણ્યવિજયજી મહારાજ સાહેબ તથા સરલસ્વભાવી પરમ પૂજ્ય આચાર્ય ભગવંત અનંતયશસુરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્ન મુનિવર્ય અનંતસિદ્ધવિજયજી મહારાજ સાહેબ ૭ મી જુલાઈને સોમવારના ધામ-ધૂમથી વાજતે-ગાજતે ચાતુર્માસ મંગલ પ્રવેશ કરનાર હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે જણાવ્યું છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, પરમ પૂજ્ય અનંતસિધ્ધવિજયજી મહારાજ સાહેબ, મૂળ ડગાળા (તા.ભુજ) ના હાલે બોરીવલી (મુંબઈ) નિવાસી મહેતા પ્રાણલાલ મણીલાલ પાનાચંદ અને શ્રીમતી મંજુલાબેન પ્રાણલાલ મહેતાના સંસારપક્ષે કુળદીપક થાય છે.
લાકડીયા મૂર્તિપૂજક સંઘમાં ૪૪ વર્ષના લાંબા સમય બાદ પ્રથમ જ વખત બે સાધુ ભગવંતો ચાતુર્માસ કરવા પધારી રહ્યા છે તેથી લાકડીયા ગામમાં આનંદની લાગણી ફેલાઈ છે.