CM ભૂપેન્દ્રભાઈ પટેલે 64મા જન્મદિવસે અડાલજના ત્રિમંદિરમાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા, ઉપરાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવોએ શુભકામના પાઠવી

આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો 64મો જન્મદિવસ છે. ત્યારે આ અવસરે આજે ભૂપેન્દ્ર પટેલે અડાલજ ખાતેના ત્રિમંદિરમાં દર્શન-પૂજન કરીને આશીર્વાદ મેળવ્યા હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જન્મદિવસ નિમિત્તે ઉપરાષ્ટ્રપતિ, કેન્દ્રીય ગૃહમંત્રી, કેન્દ્રીય મંત્રીઓ અને વિવિધ રાજ્યના મુખ્યમંત્રીઓ સહિત અનેક મહાનુભાવોની શુભકામનાઓનો પ્રવાહ અવિરત વહ્યો છે.
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવતા ગુજરાતની વિકાસયાત્રાને આગળ ધપાવવામાં મુખ્યમંત્રીના યોગદાનને બિરદાવ્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રીરી અમિત શાહે પણ મુખ્યમંત્રીને તેમના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. ગુજરાતના લોકોની સેવામાં સમર્પિત ભૂપેન્દ્ર પટેલના સ્વાસ્થ્યપ્રદ અને દીર્ધાયુ જીવન માટે કેન્દ્રીય ગૃમંત્રીએ શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.

આજે 15 જુલાઈના રોજ રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે.

સમગ્ર દિવસ દરમિયાન અલગ-અલગ વિસ્તારોમાં નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરીને ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ શહેર ભાજપ દ્વારા શાહીબાગ વિસ્તારમાં આવેલી માનસિક આરોગ્ય કેન્દ્રની હોસ્પિટલ ખાતે શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ અને ધારાસભ્યો તેમજ કાર્યકર્તાઓની હાજરીમાં દર્દીઓને ભોજન વિતરણ કરવામાં આવ્યું હતું. ભોજન વિતરણ બાદ શાહીબાગ 1200 બેડ સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રુટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જન્મદિવસ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. શહેરના ગોતા વિસ્તારમાં દેવ સિટી નજીક આવેલા પ્લોટમાં મેયર પ્રતિભા જૈન, ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ સહિતના કોર્પોરેશનના પદાધિકારીઓ કોર્પોરેટરો અને અધિકારીઓની હાજરીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

ચોમાસા દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 40 લાખ જેટલા વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. ત્યારે આજે મુખ્યમંત્રીના જન્મદિવસે વૃક્ષારોપણનો કાર્યક્રમ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો હતો.
ઘાટલોડીયા વિધાનસભા ભાજપ દ્વારા પણ વિવિધ સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારથી સાંજ સુધી અલગ અલગ કાર્યક્રમો જેમાં ફ્રુટ વિતરણ, ભોજન વિતરણ, મીઠાઈ વિતરણ, બાળકોને સ્કૂલની કીટનું વિતરણ વગેરેનું આયોજન કરાયું છે. જ્યારે સાંજે એસજી હાઇવે સોલા બ્રિજ નજીક બહુચર માતા મંદિર ખાતે વિશેષ આરતી કરવામાં આવશે, જેમાં શહેર અધ્યક્ષ પ્રેરક શાહ સહિતના ભાજપના નેતાઓ હાજર રહેશે. સાંજે થલતેજ દુરદર્શન નજીક આવેલા સાઈ મંદિર ખાતે સુંદરકાંડ પાઠનું પણ આયોજન કરાયું છે.
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયાએ પણ મુખ્યમંત્રીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે. રાજ્યના ગવર્નર આચાર્ય દેવવ્રતજી તેમજ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ મુખ્યમંત્રીને જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. આ ઉપરાંત વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ ભૂપેન્દ્ર પટેલને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. હરિયાણા મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ પણ મુખ્યમંત્રીને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવતાં ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત ઉન્નતિ અને સમૃદ્ધિના નવા આયામો સર કરે તેવી શુભકામનાઓ આપી છે.