SWAMI VATSLYA : ભગવાન મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક દિન ભક્તિભાવ પૂર્વક ઉલ્લાસભેર ઉજવાશે.
સમગ્ર વિશ્વને મૈત્રી-કરૂણા- અહિંસા -પ્રેમ અને શાંતિનો દિવ્ય સંદેશ આપનાર જૈનોના 24 તીર્થંકર મહાવીર સ્વામી ભગવાનનો 2,623 મો જન્મ કલ્યાણક દિવસ તા.10/ 4 ને ગુરૂવારના રોજ ભક્તિભાવ પૂર્વક ઉલ્લાસભેર ઉજવાશે.
ચૈત્ર સુદ 13 ને 10 મી એપ્રિલ ગુરૂવારના રોજ સવારના 8:30 કલાકે આંબા બજાર (સોની બજાર )વાળા ત્રણગચ્છ જૈન સંઘના ઉપાશ્રય પાસેથી, ગુરૂ ભગવંતોની નિશ્રામાં ,મહાવીર બેન્ડ પાર્ટી ના સુર-સંગાથે ભગવાન મહાવીર સ્વામીની ભવ્યાતિભવ્ય રથયાત્રા નીકળશે.
આ રથયાત્રામાં પ્રભુજીના સારથી બનવાનો લાભ માતૃશ્રી સુરજબેન હેમચંદભાઈ બોરીચા પરિવારે, રથમાં પ્રભુજીને લઈને બેસવાનો લાભ સોલંકી રમેશભાઈ રૂપનાથભાઈએ, પ્રભુજીને પોખવાનો લાભ જિનય ભૌતિકભાઈ શાહે અને રથયાત્રામાં ધર્મધજા લઈને ચાલવાનો લાભ વિધાન જિનેશભાઈ બોરીચાએ લીધેલ હોવાનું ત્રણ ગચ્છ જૈન સંઘના પ્રમુખ મયુરભાઈ શાહ અને તપગચ્છ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું.
આઠ કોટી નાની પક્ષ જૈન સંઘ તરફથી,તા. 10/ 4 ને ગુરૂવારના બપોરના 12:30 કલાકે, માંડવીની જૈનપુરીમાં માંડવીના સમસ્ત જૈન સમાજના પાંચ ગચ્છ માટે સ્વામિવાત્સલ્ય નો કાર્યક્રમ યોજાશે. તેમજ માંડવીના નાની પક્ષ જૈન સંઘ તરફથી માંડવીમાં રહેતા જૈનોના ખુલ્લા ઘરોમાં લાણી પણ કરવામાં આવનાર હોવાનું નાની પક્ષ જૈન સંઘના પ્રમુખ કિરણભાઈ સંઘવી અને મંત્રી જીગ્નેશભાઈ શાહે જણાવ્યું હતું.
મહાવીર જન્મ કલ્યાણક ના દિવસે ગુરૂવારે જૈન ભાઈઓ પોતાના વ્યવસાયિક કાર્યો બંધ રાખશે.
ગુરૂવારે સવારે 8:30 કલાકે, આંબા બજારમાં આવેલા ત્રણ ગચ્છના ઉપાશ્રયેથી, ગુરૂ ભગવંતોની નિશ્રામાં, મહાવીર બેન્ડ પાર્ટીના સુર- સંગાથે પ્રભુજીની રથયાત્રા પ્રસ્થાન થઈ, જૂની શાકમાર્કેટ,જૂની લાયબ્રેરી,સાંજી પડી, સંગાડા બજાર, હવેલી ચોક, ડોક્ટર સ્ટ્રીટ,જુના સ્વામિનારાયણ મંદિર,વિકમશી રાઘવજી માર્ગ, અપના બજાર,મહાવીર સ્વામી જિનાલય, છાપરા શેરી, કે.ટી.શાહ રોડ થઈને તપગચ્છ જૈન સંઘના શિતલ -પાશ્વૅ જિનાલય પહોંચશે. ત્યાં પ્રભુજીને જિનય ભૌતિકભાઈ શાહ પરિવાર પોખશે.
રથયાત્રા માં સકળ સંઘના ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં જોડાનાર હોવાનું માંડવી તપગચ્છ જૈન સંઘના પૂર્વ ટ્રસ્ટી અને મીડિયા કન્વીનર દિનેશભાઈ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.
આ પણ વાંચો : વિશ્વ શાંતિ અને કલ્યાણ માટે ૯ મી એપ્રિલને બુધવાર ના રોજ વિશ્વના ૧૦૮ દેશોમાં નવકાર મહામંત્ર દિવસ ઉજવાશે