THE INDIAN SOCIOLOGIST

માંડવીમાં ફુલ બોડી ચેકઅપનો રાહત ભાવનો મેડિકલ કેમ્પ યોજાયો

માંડવીમાં ફુલ બોડી ચેકઅપનો રાહત ભાવનો મેડિકલ કેમ્પ યોજાયો


મેડિકલ કેમ્પને દિપ પ્રગટાવીને, માંડવી સ્વામિનારાયણ સંસ્કારધામના મહંત વ્યાસમુની સ્વામી અને વેદપ્રકાશ સ્વામી, કિર્તીભાઈ મહેતા, ડો. જય મહેતા તથા દિનેશભાઈ શાહ, જાયન્ટશ ગ્રુપના પ્રમુખ હિંમતસિંહ જાડેજા અને સ્વામિનારાયણ સંસ્કારધામના મેનેજર અરવિંદભાઈ વેકરીયા


માંડવીના કિરણ ક્લિનિકમાં ૧૩ વર્ષમાં જુદા-જુદા ૨૬૧ મેડિકલ કેમ્પો યોજાયા

માંડવીમાં સોનાવાળા નાકા પાસે આવેલા, હરિકૃષ્ણા મોલની સામે, તાજેતરમાં ફૂલ બોડી ચેકઅપનો તદ્દન રાહત ભાવનો મેડિકલ કેમ્પ યોજાયો હતો. જેનો માંડવી અને આજુ-બાજુના ગામોના લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.

માતૃશ્રી સુરજબેન કિર્તીભાઈ મહેતાના સૌજન્યથી યોજાયેલા આ મેડિકલ કેમ્પને સ્વામિનારાયણ સંસ્કારધામના મહંત વ્યાસમુની સ્વામી અને વેદપ્રકાશ સ્વામીએ દિપ પ્રગટાવીને જણાવ્યું હતું કે, તંદુરસ્ત રહેવા માટે ખાન-પાનમાં સંભાળ રાખવી જરૂરી છે. તેમણે બહારનું ખાવાનું ટાળીને ઘરનું જ ખાવા અનુરોધ કર્યો હતો. તેમણે ડો. જય મહેતાની આરોગ્ય સેવાની સરાહના કરી હતી.

માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારીને જણાવ્યું હતું કે, આ કિરણ ક્લિનિકમાં દર મહિને સુવર્ણપ્રાશન અને ડાયાબિટીસના બે નિ:શુલ્ક મેડિકલ કેમ્પો યોજવામાં આવે છે. છ-કોટી સ્થાનકવાસી જૈન સંઘના વરિષ્ઠ ગુરુદેવ ભાસ્કરમુનિની પ્રેરણાથી માંડવી છ-કોટી જૈન સંઘ તરફથી મેડિકલ કેમ્પો યોજવામાં સિંહફાળો આપવામાં આવે છે. જેમાં માંડવી છ-કોટી જૈન સંઘના પ્રમુખ પુનિતભાઈ ભાછા, મંત્રી પુનિતભાઈ શાહ અને ખજાનચી જયેશભાઈ જી. શાહ સહયોગ આપી રહ્યા છે.

આ કેમ્પમાં સેવા આપનાર ડો. જય મહેતાએ જણાવ્યું હતું કે, આજે ૨૬૧મો મેડિકલ કેમ્પ યોજાઈ રહ્યો છે. મેં ભાટિયા હોસ્પિટલમાં કિરણ ક્લિનિકમાં ૧૧ વર્ષ સેવા આપેલ છે અને હરિકૃષ્ણા મોલની સામે કિરણ ક્લિનિકને ૨ વર્ષ સંપન્ન થવાની ખુશાલીમાં મારા માતુશ્રી સુરજબેન કિર્તીભાઈ મહેતાના સૌજન્યથી આ કેમ્પનું આયોજન કરેલ છે. તેમણે ભાસ્કરમુની મહારાજ સાહેબ, માંડવી છ-કોટી જૈન સંઘ અને કેમ્પમાં કાયમી ધોરણે સહકાર આપનાર દિનેશભાઈ મણીલાલ શાહનો આભાર માની અત્રે યોજાનાર મેડિકલ કેમ્પોનો બહોળી સંખ્યામાં લોકોને લાભ લેવા અનુરોધ કરેલ હતો. આ પ્રસંગે સ્વામિનારાયણ સંસ્કારધામના મેનેજર અરવિંદભાઈ વેકરીયા, માંડવી જાયન્ટશ ગ્રુપના પ્રમુખ હિંમતસિંહજી જાડેજા ઉપસ્થિત રહીને ડો. જય મહેતાની સેવાની સરાહના કરી હતી.

આ પ્રસંગે ડો. જય મહેતાના પિતાશ્રી કિર્તીભાઈ મહેતા, સેવાભાવી મિહીર ધીરજભાઈ મહેતા અને કિરણ ક્લિનિકના સાજીદભાઈ જત કેમ્પમાં સહયોગી રહ્યા હતા.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST