માંડવીના સેવામંડળમાં વિશ્વ ડોકટર ડે ઉજવાયો
ડોકટરોની સેવાને બિરદાવી ટ્રસ્ટી મંડળે તેમનું અભિવાદન કર્યું
સંસ્થાના પ્રમુખ અશોકભાઈ શાહ પ્રમુખ સ્થાનેથી સૌને આવકારી, માંડવી સેવામંડળ માં સેવા આપતા ડો. પ્રાચીબેન પંડયા અને દાંતના ડો. જિજ્ઞાબેન ગડા અને ડો. હિરલબેન પઢીયારની સેવાની સરાહના કરી હતી.
પ્રસંગ પરિચય આપતા સેવામંડળના ટ્રસ્ટીદિનેશભાઈ શાહે, વિશ્વ ડોકટર ડે ની ઉજવણીનું મહત્વ સમજાવી જણાવ્યું હતું કે, ડોકટરના સ્વાસ્થય સેવામાં યોગદાન, સખત મહેનત અને તેના મહત્વને ઉજાગર કરવાનો છે. ભારત રત્ન ડો. બિધાનચંદ્ર રોયની યાદમાં ૧લી જુલાઈના દિવસે રાષ્ટ્રીય ડોકટર્સ ડે ની ઉજવણી કરવામાં આવે છે. ડો. રોય પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી પણ હતા.
સેવામંડળના પ્રસંશનિય સેવા આપતા ડો. પ્રાચીબેન પંડયા, દાંતના ડો. જીજ્ઞાબેન ગડા અને ડો. હિરલબેન પઢિયારનું સંસ્થાના પ્રમુખ અશોકભાઈ શાહ તથા ટ્રસ્ટી મંડળના ભગવતીપ્રસાદભાઈ મોથારાઈ, ચંદ્રશેનભાઈ શાહ, જયેશભાઈ જી. શાહ, ભાવિનનભાઈ શાહ અને દિનેશભાઈ શાહે શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.
ડોકટરો વતી ડો. પ્રાચીબેન પંડયાએ સન્માન બદલ ટ્રસ્ટી મંડળનો આભાર માન્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ટ્રસ્ટી દિનેશભાઈ શાહે કરેલ હતું જયારે ટ્રસ્ટી જયેશભાઈ જી. શાહે આભાર દર્શન કરેલ હતું. આ પ્રસંગે સેવામંડળનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.