મુન્દ્રા તાલુકાના બેરાજા પ્રાથમિક શાળામાં જૈન સંતોનું પ્રવચન યોજાયું
- ચાતુર્માસ દરમ્યાન દર રવિવારે તમામ જ્ઞાતિના બાળકો માટે બાલ-સંસ્કાર શિબિર યોજવાની ઘોષણા કરાઈ
- જિલ્લા પંચાયત સંચાલિત બેરાજા (તા.મુન્દ્રા) પ્રાથમિક શાળામાં તાજેતરમાં જૈન સંતોનું પ્રવચન યોજાયું હતું.
કચ્છ આઠ કોટી મોટીપક્ષ સ્થાનકવાસી જૈન સંઘના કાર્યવાહક પરમ પૂજ્ય તારાચંદમુનિ મહારાજ સાહેબ અને તેમના શિષ્યો પ્રશાંતમુનિ અને સમર્પણમુનિ મહારાજ સાહેબ તાજેતરમાં બેરાજા પ્રાથમિક શાળામાં પધાર્યા હતા.
પ્રારંભમાં શાળાના આચાર્ય જયેશભાઈ સોલંકીએ સ્વાગત પ્રવચનમાં જૈન સંતોને આવકાર આપી, પ્રાથમિક શાળામાં જૈન સંતોના પ્રવચનનો કાર્યક્રમ રાખવા બદલ બેરાજા જૈન સંઘનો આભાર માન્યો હતો.
પરમ પૂજ્ય પ્રશાંતમુનિએ પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતા ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓને સંબોધતા અભ્યાસની સાથે સાથે સમાજની સેવા અને ગામની સેવા કરવા અનુરોધ કરી, સ્વચ્છતા કેવી રીતે રાખી શકાય તેની બાળકોને સમજણ આપી હતી. મુનિશ્રીએ ચાતુર્માસ દરમ્યાન, દર રવિવારે, બપોરે ૩ થી ૫ વાગ્યા દરમ્યાન, નાત-જાતના ભેદભાવ વગર, તમામ જ્ઞાતિના બાળકો માટે જૈન સ્થાનકમાં બાલ-સંસ્કાર શિબિરનું આયોજન કરવાની ઘોષણા કરી હોવાનું, માંડવીના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું.
આ પ્રસંગે મોટીપક્ષ જૈન સંઘના ટ્રસ્ટીઓ સર્વશ્રી પ્રવીણભાઈ કકા, વલ્લભજીભાઈ સાવલા, કાનજીભાઈ, હરખચંદભાઈ દમણવાલા, બબાભાઇ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના વિદ્યાર્થીઓને બિસ્કીટના પેકેટની પ્રભાવના કરી હતી. શાળાના શિક્ષક વાસુદેવભાઈએ વ્યવસ્થા જાળવી હતી તેમજ શાળાનો સમગ્ર સ્ટાફ સહયોગી રહ્યો હતો.