માંડવી નો રેલ્વે જોડાણ નો વર્ષો જૂનો પ્રાણ પ્રશ્ર્ ઉકેલવા ના એંધાણ.
કચ્છ ના સંસદ સભ્ય માનનીય વિનોદભાઈ ચાવડા સાહેબ સાથે વાડીલાલભાઈ દોશી, દિનેશભાઈ શાહ, દીપકભાઈ પંડ્યા, લિનેશભાઈ શાહ, ચંદ્રશેનભાઈ કોટક
માંડવી ને રેલ્વે ની સુવિધા મળે થી માંડવી અને સમગ્ર કચ્છ ના વિકાસ સાથે રેલ્વે મંત્રાલય ની આવક માં વધારો થશે.
આપણા ભારત દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબનો ભુજ- માંડવી રેલ્વે જોડાણનો પ્રોજેક્ટ, કેન્દ્રના રેલ્વે મંત્રી માનનીય અશ્વિની વૈષ્ણવ સાહેબની ભલી લાગણી તેમજ આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માનનીય શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના સંપૂર્ણ સાથ-સહકાર તેમજ કચ્છ જિલ્લાના લોકલાડીલા કાર્યશીલ સંસદ સભ્ય માનનીય વિનોદભાઈ ચાવડા સાહેબ ની અથાગ મહેનત તથા માંડવી સર્વાંગી વિકાસ પરિષદની જિલ્લા અને રાજ્યકક્ષાએ સતત રજૂઆતના કારણે માંડવી ને રેલ્વે જોડાણ નો વર્ષો જૂનો પ્રાણ પ્રશ્ન ઉકેલવાના એંધાણ છે.
માંડવી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ પ્રેરિત, માંડવી સર્વાંગી વિકાસ પરિષદના પ્રમુખ વાડીલાલભાઈ દોશી ની આગેવાની હેઠળ પરિષદના મંત્રી દિનેશભાઈ મણીલાલ શાહ, ઉપપ્રમુખ દીપકભાઈ પંડ્યા,બીજા ઉપપ્રમુખ લિનેશભાઈ શાહ અને કારોબારી સભ્ય ચંદ્રશેનભાઈ કોટક ના બનેલા પ્રતિનિધિ મંડળે, કચ્છ જિલ્લાના લોકલાડીલા કાર્યશીલ સંસદ સભ્ય માનનીય શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબની, ભુજ ખાતે તેમના કાર્યાલયમાં મુલાકાત લીધી હતી. સંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબે પરિષદના હોદ્દેદારો નું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. અને પરિષદ ભુજ-માંડવી રેલ્વે જોડાણ માટે અથાગ પ્રયત્ન કરી રહી છે. તે બદલ અભિનંદન પાઠવ્યા હતા. પરિષદના હોદ્દેદારો એ માનનીય સંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા સાહેબને કચ્છી પાઘડી પહેરાવી,શાલ ઓઢાડીને તેમનું બહુમાન કર્યું હતું.સંસદ સભ્ય શ્રી વિનોદભાઈ સાહેબે, કેન્દ્રના રેલવે મંત્રીશ્રી માનનીય અશ્વિની વૈષ્ણવ સાહેબ સાથે મુલાકાત ગોઠવી આપવા ખાતરી આપી હતી. અને દિલ્હીમાં પરિષદના હોદ્દેદારોને જરૂરી સુવિધા આપવા જણાવ્યું હતું.
માંડવી સર્વાંગી વિકાસ પરિષદ અને માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશી એ જણાવ્યું હતું કે, માંડવી શહેરની આસપાસ 10 કિલોમીટરના ગ્રામ્ય વિસ્તાર જેવા કે,મસ્કા,ગુંદિયાળી, મોઢવા, ત્રગડી વગેરેમાં સ્થપાનાર નવા ઉદ્યોગોના કાચા માલ અને તૈયાર માલના પરિવહન માટે રેલ્વે અતિ ઉપયોગી થશે. તેમજ રોજગારીના દ્વાર પણ ખુલશે. એમાં શંકા ને સ્થાન નથી.
પરિષદના ઉપપ્રમુખ અને કચ્છ માઈન્સ મિનરલ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ના પ્રમુખ દીપકભાઈ પંડ્યાએ, સંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ ને આંકડાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષમાં બેન્ટોનાઇટનું વેચાણ આશરે 40 લાખ ટન થયેલ છે. જે પૈકી 19 લાખ ટન જેટલું વિદેશમાં નિકાસ થયેલ છે. આ માલ ગુજરાત રાજ્ય ઉપરાંત મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ,આંધ્રપ્રદેશ, તેલંગાણા,પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હી જેવા રાજ્યો માટે થયેલ છે. રેલ્વે આવ્યે થી આ બધો માલ રેલ્વે માર્ગે નિકાસ થશે.જેથી નિકાસકારો તથા રેલવે ને આવકમાં મોટો ફાયદો થશે. આ ઉપરાંત માંડવી તાલુકાના બાડા ગામે ગુજરાત હેવી કેમિકલ લિમિટેડ દ્વારા સોડા એસ પ્લાન્ટ નું કામ ચાલી રહ્યું છે. જેમાં વાર્ષિક 11લાખ ટન ઉત્પાદન થવાની શક્યતા છે. આ પ્લાન્ટ માટે કાચો માલ અને તૈયાર માલ પણ રેલ્વે માર્ગે મોકલવા ની કંપની ઈચ્છા ધરાવે છે.તે જ રીતે બોકસાઈટ રિફેકટરી પ્લાન્ટ,કોપર પ્લાન્ટ, એસ.સી.એલ.નો પેટ્રોલિયમ પ્લાન્ટ નું કામ પણ ચાલુ છે.
તાજેતર માં પરિષદ ના હોદ્દેદારો અમદાવાદ મુકામે રેલવે મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓને મળવા ગયેલ ત્યારે પરિષદ ના હોદ્દેદારો ને જાણ થઈ કે, ભુજ- માંડવી રેલવે પ્રોજેક્ટ નો DPR (ડી.પી.આર) રિપોર્ટ સબમિટ થઈ ગયેલ છે.અને પ્રોજેક્ટ વાઇબલ છે. ફક્ત ટનલ ની મંજૂરી બાકી છે.
ટનલ ના સ્થળ નિરીક્ષણ અને વિગતો માટે દિલ્હી, અમદાવાદ અને ભુજના રેલ્વે અધિકારીઓએ માંડવીની રૂબરૂ મુલાકાત લીધી હતી. ત્યારે પરિષદના પ્રમુખ વાડીલાલભાઈ દોશી, મંત્રી દિનેશભાઈ શાહ, ઉપપ્રમુખ દીપકભાઈ પંડ્યા અને બીજા ઉપપ્રમુખ દિનેશભાઈ શાહ, ખજાનચી ભરતભાઈ કપ્ટા અને કારોબારી સભ્ય ચંદ્રશેનભાઈ કોટક વગેરે હોદ્દેદારો સાથે જોડાયા હતા.
ભુજ- માંડવી રેલ્વે જોડાણ માટે માંડવીના લોકલાડીલા ધારાસભ્ય માનનીય શ્રી અનિરુદ્ધભાઈ દવે ખૂબ જ સક્રિય રીતે રસ લઈ રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી માનનીય ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબની પરિષદના હોદ્દેદારોએ ગાંધીનગરમાં મધ્યે મુલાકાત લીધી ત્યારે પણ તેમની સાથે રહ્યા હતા અને ભુજ- માંડવી રેલ્વે જોડાણ ઝડપથી મળે તે માટે રજૂઆત કરી હોવાનું પરિષદના મંત્રી દિનેશભાઈ મણીલાલ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.