L.T.M.D. ટેરીફ ધરાવતા વિજ જોડાણ વાળા ગ્રાહકોને ભાવ વધારો આપવાના નિર્ણય સામે માંડવી સર્વાંગી વિકાસ પરિષદ ખફા!!
LTMD ટેરીફ ધરાવતા વિજ જોડાણ વાળા ગ્રાહકોને ભાવ વધારા અંગે માંડવી PGVCL ના કાર્યપાલક ઇજનેર શ્રી આર. એસ. વારા અને નાયબ કાર્યપાલક ઇજનેર સનતભાઈ જોશી ની મુલાકાત લઈ રજૂઆત કરતા,વાડીલાલભાઈ દોશી, દિનેશભાઈ શાહ, દિપકભાઈ પંડ્યા, લિનેશભાઈ શાહ અને ચંદ્રશેનભાઈ કોટક
એલ.ટી. એમ.ડી.(L.T.M.D.) ધરાવતા વિજ જોડાણ વારા ગ્રાહકોને પહેલી જૂન-2024 ની અસરથી ભાવ વધારો આપવાના નિર્ણય સામે માંડવી ચેમ્બર ઓફ કોમર્સ પ્રેરિત "માંડવી સર્વાંગી વિકાસ પરિષદે" નારાજગી વ્યક્ત કરી છે. આ બાબતે ફેરવિચારણા કરવા માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે ને સાથે રાખીને પરિષદ રાજ્ય કક્ષાએ રજૂઆત કરશે.
માંડવી સર્વાંગી વિકાસ પરિષદના પ્રમુખ વાડીલાલભાઈ દોશીની આગેવાની હેઠળ પરિષદના મંત્રી દિનેશભાઈ મણિલાલ શાહ,પરિષદના ઉપપ્રમુખ અને કચ્છ માઈન્સ મિનરલ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ના પ્રમુખ શ્રી દિપકભાઈ પંડ્યા, પરિષદ ના બીજા ઉપપ્રમુખ અને માડવી મર્ચન્ટ એસોસિએશન ના પ્રમુખ લિનેશભાઈ શાહ તથા પરિષદના કારોબારી સભ્ય અને માંડવી ચેમ્બર ના ખજાનચી ચંદ્રશેનભાઈ કોટક ના બનેલા પ્રતિનિધિ મંડળે માંડવી પી.જી.વી.સી.એલ.(PGVCL)ના કાર્યપાલક ઇજનેર શ્રી આર.એસ. વારા અને નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી સનતભાઈ જોશી ની રૂબરૂ મુલાકાત લઈને પરિપત્ર ની વિગતો જાણીને યોગ્ય રજૂઆત કરી હતી.
પરિષદના પ્રતિનિધિ મંડળના જણાવ્યા મુજબ પશ્ચિમ ગુજરાત વિજ કુ.લિ. રાજકોટ ના મહાપ્રબંધક નાણા અને હિસાબ નિગમિત કચેરી તરફથી તાજેતરમાં એક પરિપત્રમાં જણાવ્યા મુજબ ટેરિફ પ્રોવિઝન મુજબ એલ. ટી. એમ. ડી.(LTMD) ધરાવતા વિજ જોડાણમાં તા. 1 /6 /2024 ની અસરથી તેમજ નવા કનેક્શન માં તા. 1 /4 /2025 ની અસરથી 10 કિલો વોટ કે તેથી વધુ લોડ ધરાવતા એન. આર. જી. પી.( NRGP) કનેક્શન માં પીક અવર એટલે કે સવારે 7:00થી 11:00 વાગ્યા સુધી અને સાંજે 6:00 થી 10:00 વાગ્યા સુધી કુલ્લ આઠ (8) કલાક દરમિયાન વિજ વપરાશ ઉપર પીક -1(એક )અને પીક-2( બે) ના નામે એક (1) યુનિટ વપરાશના 45 પૈસા લેખે અને તે પર લાગતા ડ્યુટી કે બીજા ચાર્જીસ લગાડી જૂની તા.1/ 6/ 2024 ની અસરથી ચાર્જ વસૂલ કરવા આદેશ કરવામાં આવ્યો છે.
જે ગ્રાહકોને સ્માર્ટ મીટર લગાડનાર એજન્સી પાસેથી સ્માર્ટ મીટર લાગ્યા ના સમયથી અત્યાર સુધી ના સમય સુધીની વિજ વપરાશ ના યુનિટની વિગતો મેળવી ચાર્જ વસૂલ કરવા દરેક સબ ડિવિઝન કચેરીઓને આદેશ આપવામાં આવેલ છે. આ ઉપરાંત જે ગ્રાહકના બિલિંગ સિસ્ટમમાં ટી.ઓ.યુ.(TOU) ચાર્જિસ નું પ્રોવિઝન ન હોય તેવા સંબંધિત ગ્રાહક પાસેથી બોર્ડ ચાર્જ તેમજ ઈ.ડી.(ED) ના એડજેસ્ટમેન્ટ કોડ મુજબ જરૂરી ચાર્જ વસૂલવા આદેશ કરેલ છે.
આવા આદેશ મળવાથી પી.જી.વી.સી.એલ.(PGVCL)ની દરેક સબ ડિવિઝન કચેરીઓ તરફથી ઘણા ગ્રાહકોને વધારાના બિલ ઇસ્યુ કરી, આજે વસૂલવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ બાબતે કચ્છ માઈન્સ મિનરલ્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના પ્રમુખ દિપકભાઈ પંડ્યા અને તમામ સભ્યોએ સખત વિરોધ નોંધાયો છે.
પરિષદના પ્રતિનિધિ મંડળે પીક અવર માં વિજ વપરાશ કરતા ગ્રાહકો પાસેથી ચાર્જીસ વસુલાત કરે છે. તે તાત્કાલિક અસરથી બંધ કરવા માંગણી કરેલ છે. આ પ્રતિનિધિ મંડળે માંડવી પી.જી.વી.સી.એલ.(PGVCL)ના અધિકારીઓને, પરિષદ ના પ્રતિનિધિ મંડળ ની રજૂઆત રાજકોટની હેડ ઓફિસે પહોંચાડવા વિનંતી કરી છે.
પરિષદના પ્રતિનિધિ મંડળની રજૂઆત માંડવી પી.જી.વી.સી.એલ.(PGVCL)ના કાર્યપાલક ઇજનેર શ્રી આર.એસ. વારા અને નાયબ કાર્યપાલક શ્રી સનતભાઈ જોશી એ સહાનુભૂતિપૂર્વક સાંભળી હતી. અને પોતાના અધિકાર માં આવતા તમામ બાબતો પર સંપૂર્ણ સાથ- સહકારની ખાત્રી આપી હતી. અને પરિષદ ના પ્રતિનિધિ મંડળ ની રજૂઆત વડી કચેરીએ પહોંચાડવાની ખાત્રી આપી હતી.
માંડવી સર્વાંગી વિકાસ પરિષદ ના પ્રતિનિધિ મંડળે કચ્છ ની દરેક સંસ્થાઓ, ચેમ્બર, એસોસિયેશનના ફોકિયા વગેરેનો સંપર્ક કરી પરિષદ વિરોધ નોંધાવશે. આ ઉપરાંત ગુજરાત રાજ્ય ના ખનીજ આધારિત એસોસિએશન ને પણ રજૂઆત કરતા ગુજમિન ના પ્રમુખ શ્રી સી.એમ. ત્રિવેદી અને ઉપપ્રમુખ દિપકભાઈ પંડ્યા એ પણ સંપૂર્ણ સાથ- સહકારની ખાત્રી આપેલ છે.અને જ્યાં જરૂર હશે ત્યાં લેખિત રજૂઆત કરવામાં આવશે.
પરિષદના પ્રમુખ અને માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશી અને મંત્રી દિનેશભાઈ શાહ તેમજ પ્રમુખ દીપકભાઈ પંડ્યા અને લિનેશભાઈ શાહે વધુમાં જણાવ્યું હતું કે, માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે ને સાથે રાખીને રાજ્યકક્ષાએ રજૂઆત કરવામાં આવશે. તેમજ કાયદાના નિષ્ણાતો પાસેથી જાણકારી મેળવીને જરૂર જણાશે તો અદાલતના દ્વાર પણ ખટખટાવવામાં આવશે.