THE INDIAN SOCIOLOGIST

પદ્માવતી મંદિર નો 15 મો ધ્વજારોહણ કાર્યક્રમ ઉલ્લાસભેર ઉજવાયો.

પદ્માવતી મંદિર નો 15 મો ધ્વજારોહણ કાર્યક્રમ ઉલ્લાસભેર ઉજવાયો


શાંતિવન- જખણીયા મધ્યે પદ્માવતી મંદિર નો 15 મો ધ્વજારોહણ કાર્યક્રમ સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતો ની નિશ્રામાં ભક્તિભાવ પૂર્વક ઉલ્લાસભેર ઉજવાયો.


આગમના અભ્યાસી એવા ભાષાવિદ મુનિ શ્રી જંબુ વિજયજી મહારાજ સાહેબ ના પુનિત પગલે નામાભિધાન થયેલ શાંતિવન મધ્યે સંઘવી પરિવાર ના મોભી માંડવીના પૂર્વ ધારાસભ્ય સ્વ. જય કુમાર ભાઈ સંઘવી ની પ્રેરણાથી તૈયાર થયેલ પરમ તારક શ્રી પાર્શ્વનાથ પ્રભુના અધિષ્ઠાયીકા દેવી જલધારી શ્રી પદ્માવતી મંદિર નો 15 મો ધ્વજારોહણ તાજેતરમાં ભક્તિભાવ પૂર્વક ઉલ્લાસભેર ઉજવાયો હતો.

આ પ્રસંગે ભગવતી શાસનદેવી પદ્માવતી ઉપાસક પરમ પૂજ્ય ક્રાંતિકારી રાષ્ટ્રીય સંત આચાર્ય શ્રી સંજય મુનિ મહારાજ સાહેબ, ઉપાધ્યાય પૂર્ણ ભદ્ર સાગર મ.સા., માનવ મંદિર બિદડા ના પ્રણેતા પરમ પૂજ્ય દિનેશચંદ્ર મહારાજ સાહેબ, પરમ પૂજ્ય ગણિવર્ય શ્રી રાજરત્ન સાગરજી મહારાજ સાહેબ આદિ ઠાણા, પરમ પૂજ્ય સાધ્વી શ્રી શિલાપીજી મહાસતીજી(વિરાયતન),સાધ્વીજી ભગવંતો અને મહાસતીજી ઓ અને ચંદુમા(ગઢસીસા) એ નિશ્રા પ્રદાન કરી કરી , આશીર્વચન પાઠવ્યા હતા. સંગીતકાર તરીકે કમલેશભાઈ ગોસ્વામી તથા સાથી મિત્રો એ સંગીત ની રમઝટ જમાવી હોવાનું માંડવી ના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું.

ધ્વજા રોહણમાં સંપૂર્ણ લાભાર્થી નવીનભાઈ લાલજી વીરા અને ગુણવંતીબેન નવીનભાઈ વીરા (દુર્ગાપર -થાણા) એ લાભ લીધેલ હોવાનું સંઘવી પરિવારના હર્ષદભાઈ સંઘવી અને જુગલભાઈ સંઘવીએ જણાવ્યું હતું.

સેકડો ભાવિકોની ઉપસ્થિતિમાં સ્નાત્ર પૂજા અને સત્તર ભેદી પૂજા ભણાવ્યા બાદ શુભ મુહર્તે ધ્વજારોહણ લાભાર્થીના હસ્તે કરવામાં આવ્યું હતું.

માંડવી થી આવવા- જવા માટે મહાવીર સ્વામી ભગવાન ના જિનાલય પાસેથી વાહનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ પ્રસંગે બહોળી સંખ્યામાં ભાવિકો શાંતિવન (વીરાયતન વિદ્યાપીઠ પાસે, જખણીયા )માંડવી- ભુજ રોડ મધ્યે ઉપસ્થિત રહ્યા હતા. શ્રેયાંશ સેજલ જીગ્નેશ વીરા ( નવાવાસ )અને સંઘવી ઝવેરબેન ચુનીલાલ ભુલાણી પરિવાર એ કાર્યક્રમની સફળતા માટે જહેમત ઉઠાવી હતી.

વિધિકાર તરીકે દિપકભાઈ કોઠારી (ભુજ )એ વિધિ વિધાન કરેલ હતા. દાતા પરિવાર તરફથી નવકારથી અને સ્વામી વાત્સલ્યનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.આ પ્રસંગે માંડવી ,ભુજ નવાવાસ,મોટા આસંબિયા, નાના આસંબીયા, મુન્દ્રા, કોડાય ઉપરાંત કચ્છના ગામે ગામ થી અને મુંબઈથી બહોળી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમને સુપેરે પાર પાડવા દાતા પરિવાર ઉપરાંત સંઘવી પરિવારના હર્ષદભાઈ સંઘવી, વસંતભાઈ સંઘવી, મનસુખભાઈ સંઘવી,પ્રવીણભાઈ સંઘવી, જુગલભાઈ સંઘવી, મિતલભાઇ સંઘવી અને ગૌરવભાઈ સંઘવી વગેરે એ ભારે જહેમત ઉઠાવી હોવાનું દિનેશભાઈ મણીલાલ શાહે જણાવ્યું હતું.

Previous Post Next Post
THE INDIAN SOCIOLOGIST