સંસ્થા ખાતે પશુઓના પોષણ અને રક્ષા માટે ચાલી રહેલી સેવા પ્રવૃતિઓ નિહાળી પ્રભાવિત થતા મુખ્યમંત્રીશ્રી
કચ્છની મુલાકાતે પધારેલા ગુજરાતના મૃદ્દુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મુંદરા નજીક પ્રાગપર ચોકડી ખાતે આવેલા ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર એંકરવાલા અહિંસાધામની મુલાકાત લીધી હતી. ગાયો સહિતના પશુઓના પોષણ માટે ચાલી રહેલી સેવાભાવી કામગીરી નિહાળી મુખ્યમંત્રીશ્રી પ્રભાવિત થયા હતા.
આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ સંસ્થામાં આશ્રય લઈ રહેલ અપંગ અને બીમાર ગાયો સહિતના પશુઓની કરવામાં આવી રહેલી સેવા, પશુઓ માટેના ૩૩૫ બેડની સુવિધાથી સજ્જ બે આઈ.સી.યુ. અને પશુ દવાખાના સહિતની વ્યવસ્થાઓ નિહાળી હતી. ઉપરાંત સંસ્થામાં લિમ્કા બુક અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવનાર નંદીના શિંગડા નિહાળ્યા હતા.
ભારતની અલ્ટ્રા મોર્ડન વેટરનરી હોસ્પિટલમાં પશુ ચિકિત્સકો દ્વારા દર મહિને સરેરાશ ૩૫૦ થી વધુ પશુઓના ઓપરેશન, બે અત્યાધુનિક આઈ.સી.યુ., અપંગ અને અંધ પશુઓ માટે અલગ આવાસ, પશુઓના આવાસ, ખોરાક તેમજ પોષણ માટે વિવિધ વ્યવસ્થાઓ, બીજબેંક સહિત સંસ્થાની વિશેષતાઓ અંગે મુખ્યમંત્રીશ્રીને સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી મહેન્દ્રભાઈ સંગોઈએ માહિતગાર કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૮ માં ગુજરાત સરકાર દ્વારા તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આ સેવાભાવી સંસ્થાને મહાવીર જીવદયા એવોર્ડ પણ અર્પણ કરવામાં આવ્યો છે.
આ મુલાકાત વેળાએ મુંદરા નગરપાલિકા પ્રમુખશ્રી રચનાબેન જોષી, માંડવી-મુંદરા ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવે, અદાણી પોર્ટના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટરશ્રી રક્ષિતભાઈ શાહ, અગ્રણીશ્રી દેવજીભાઈ વરચંદ, ધવલ આચાર્ય સહીતના ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી મહેન્દ્રભાઈ સંગોઈ સાથે સંસ્થાના ગીરીશભાઈ નાગડા, રાહુલ સાવલા, ડાહ્યાભાઈ ઉકાણી, શાંતાબેન એંકરવાલા, અને મંજુલાબેન વગેરેએ મુખ્યમંત્રીશ્રીને સંસ્થાનાં પ્રાંગણમાં આવકાર્યા હતા અને મુલાકાત દરમિયાન સાથે જોડાયા હતા.