માંડવીને રેલ્વેની સુવિધા ઝડપથી મળે તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ સમક્ષ રજૂઆત
માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે સાથે માંડવી સર્વાંગી વિકાસ પરિષદના હોદ્દેદારો વાડીલાલ દોશી, દિનેશભાઈ, દીપક પંડ્યા, લીનેશ શાહ, ચંદ્રશેન કોટક અને રાજેશ દોશી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યાલયમાં, માંડવીને રેલ્વેની સુવિધા ઝડપથી અપાવવા રજૂઆત કરતા નજરે પડે છે.
માંડવીના લોકલાડીલા ધારાસભ્ય માનનીય અનિરુદ્ધભાઈ દવેના પ્રયત્નોથી માંડવીને રેલ્વેની સુવિધા ઝડપથી મળે તે માટે માંડવી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ પ્રેરિત માંડવી સર્વાંગી વિકાસ પરિષદે તાજેતરમાં તા. ૧૦-૦૬ ને મંગળવારના રોજ ગાંધીનગર મધ્યે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માનનીય ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબની તેમના કાર્યાલયમાં રૂબરૂ મુલાકાત લઈને લેખિત રજૂઆત કરી હતી.
માંડવી સર્વાંગી વિકાસ પરિષદ અને માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશીની આગેવાની હેઠળના પ્રતિનિધિ મંડળમાં માંડવી સર્વાંગી વિકાસ પરિષદના મંત્રી અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ મણિલાલ શાહ, પરિષદના ઉપપ્રમુખ અને કચ્છ માઈન્સ મિનરલ્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ તથા ગુજમીન ઇન્ડસ્ટ્રી એસો. રાજ્યના ઉપપ્રમુખ દિપકભાઈ પંડ્યા, પરિષદના બીજા ઉપપ્રમુખ અને માંડવી મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ લીનેશભાઈ શાહ, પરિષદના કારોબારી સભ્ય અને માંડવી ચેમ્બર ઓફ કોમર્સના ખજાનચી ચંદ્રશેનભાઈ કોટક તથા માંડવી ચેમ્બર ઓફ કોમર્સના ટ્રસ્ટી રાજેશભાઈ વાડીલાલ દોશી જોડાયા હતા.
આ મુલાકાતમાં માંડવીના લોકલાડીલા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે જોડાયા હતા અને માંડવીને રેલ્વેની ઝડપથી સુવિધા અપાવવા જોરદાર રજૂઆત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ સમક્ષ કરી હતી.
માંડવી સર્વાંગી વિકાસ પરિષદના પ્રતિનિધિ મંડળે રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સમક્ષ લેખિત રજૂઆતમાં કચ્છની વિવિધ સંસ્થાઓના જનસમર્થનના સહીવાળા પત્રો તેમજ દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને કરેલ રજૂઆતના પત્રની નકલ અર્પણ કરી વધુમાં જણાવ્યું હતું કે, માંડવીનો વર્ષો જૂનો પ્રશ્ન માંડવીને રેલ્વેની સુવિધા મળશે તો માત્ર માંડવીનો જ નહીં પરંતુ સમગ્ર કચ્છ જિલ્લાનો વિકાસ થશે.
વિવિધ ડેટાવાળો પત્ર અર્પણ કરીને જણાવ્યું હતું કે, માંડવીને રેલ્વેની સુવિધા આપવાથી રેલ્વે મંત્રાલયને પણ ફાયદો થશે. પ્રતિનિધિ મંડળે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન માંડવી તાલુકામાંથી નિકાસ થયેલ ખનીજ, જેમ કે બેન્ટોનાઈટ - બોકસાઈટ - કપચી - લેટેરાઈટ વગેરે ૨૦ થી ૨૨ લાખ ટન ભારતના જુદા જુદા રાજ્યોમાં નિકાસ થયેલ છે. જો માંડવીને રેલ્વેની સુવિધા મળે તો આ નિકાસ રેલ્વે દ્વારા થાય, જેથી ખનીજ ઉત્પાદકો અને ખરીદનારને પણ ફાયદો થાય. સાથે સાથે રેલ્વેને પણ કરોડો રૂપિયાની આવક થાય. માંડવીમાં દરિયામાં એકદમ ઉંચી કક્ષાની સેન્ડ ધરબાયેલી છે, જો આ સેન્ડને ઓફ શોર માઇનિંગની પરવાનગી આપવામાં આવે તો લાખો ટન સેન્ડ ઉત્પાદન થઈ શકે તેમ છે. આ સેન્ડને પ્રોસેસ કરીએ તો ગ્રીન એન્ડ મોલ્ડિંગમાં તેનો ઉપયોગ થઈ શકે તેમ છે. આજની તારીખમાં ભારતભરમાં આ પ્રકારની સેન્ડની ખૂબ જ માંગ છે, અને દરરોજની એક રેન્ક જેટલી નિકાસ થઈ શકવાની શક્યતા રહેલી છે.
જો માંડવીને રેલ્વે જોડાણ મળે તો રેલ્વે મંત્રાલયને પણ લાખો રૂપિયાની આવક થઈ શકે. આ ઉપરાંત ગુજરાત સરકારશ્રીની પણ નીતિ છે કે, કુદરતી નદીની રેતીના વિકલ્પ રૂપે એમ સેન્ડ અને સી સેન્ડનો ઉપયોગ થાય. અમારી સંસ્થા પણ સરકારશ્રીની નીતિ સાથે સહમત છે અને ટેકો આપે છે.
માંડવી સર્વાંગી વિકાસ પરિષદના પ્રતિનિધિ મંડળે રાજ્યના મુખ્યમંત્રી માનનીય ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબને કચ્છી પાઘડી પહેરાવી, પરમ પૂજ્ય નરેશમુનિ મહારાજ સાહેબ લેખિત અને વ્યસનમુક્તિ અભિયાનના પ્રમુખ ડો. દિનેશભાઈ જોષી સંપાદિત પુસ્તક "માનવ જીવનની મીઠાશ" પુસ્તક અર્પણ કરી, શાલ ઓઢાડીને, મુખ્યમંત્રી સાહેબનું અભિવાદન કરેલ હતું.
માંડવીને રેલ્વેની સુવિધા મળશે તો સરકારશ્રીના રેલ્વે મંત્રાલયને અંદાજે ૧૫૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થવાની શક્યતા છે જેની સામે રેલ્વે મંત્રાલયને વાર્ષિક ૨૪૦૦ કરોડ રૂપિયાની આવક થવાની શક્યતા છે.
રાજ્યના મુખ્યમંત્રી માનનીય ભુપેન્દ્રભાઈ પટેલે માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અને માંડવી સર્વાંગી વિકાસ પરિષદના પ્રતિનિધિ મંડળની રજૂઆત સહાનુભૂતિપૂર્વક સાંભળી હતી અને સત્વરે યોગ્ય ઘટતું કરવાની ખાત્રી આપી હોવાનું પરિષદના પ્રમુખ વાડીલાલભાઈ દોશી અને મંત્રી દિનેશભાઈ શાહે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.
નજીકના ટૂંક સમયમાં માંડવી સર્વાંગી વિકાસ પરિષદના હોદ્દેદારો, કચ્છના લોકલાડીલા સંસદ સભ્ય માનનીય વિનોદભાઈ ચાવડા સાહેબનો સહયોગ લઈને ભારતના રેલ્વે મંત્રી માનનીય અશ્વિની વૈષ્ણવ સાહેબની મુલાકાત લઈને, માંડવીને રેલ્વેની સુવિધા ઝડપથી આપવા દિલ્હી જઈને રજૂઆત કરશે.
www.indiansociologist.in